Aug 7, 2016

આદિવાસી


આદિ કાળથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારત દેશમાં આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વફલક પર એમને મૂળ વસાહતીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાત રાજ્યના આદિવાસીઓ એમના ખડતલ તેમ જ ચપળ શરીર માટે જાણીતા છે. ગુજરાત રાજ્યની પૂર્વ સરહદના વિસ્તારોમાં મુખ્યત્વે આદિવાસીઓ વસવાટ કરે છે. ભારત સરકારના બંધારણમાં આદિવાસીઓને અનુસૂચિત જનજાતિ તરીકેનો દરજ્જો આપવામાં આવેલ છે. આ દરજ્જાને કારણે ઘણા આદિવાસીઓ ભણીગણીને પોતાનો વિકાસ સાધી શક્યા છે, પરંતુ હજુ પણ મોટા ભાગના અંતરિયાળ તેમ જ દુર્ગમ વિસ્તારોમાં સદીઓથી રહેતા આદિવાસીઓ, સગવડોથી વંચિત રહેવાને કારણે આજે પણ ગરીબી અને અજ્ઞાનતામાં જીવે છે. ગુજરાતના આદિવાસીઓમાં મુખ્યત્વે કૂકણા, ધોડિયા, ગામિત, ચૌધરી, વસાવા, ભીલ, રાઠવા, નાયકા, હળપતિ, ડામોર, કટારા, કોટવાળીયા વગેરેનો સમાવેશ થાય છે.
આદિવાસી સમાજ માતૃપ્રધાન છે. જેમાં કુટુંબના મહત્વના નિર્ણયો મોડી આયો (દાદીમા) લેતી હોય છે. કુટુંબના ભરણ-પોષણની જવાબદારી પતિ-પત્ની બન્ને જણ ઉપાડતા હોય છે. સામાન્ય રીતે તેઓ ખેતી અને પશુપાલન કરે છે. તેમની રીત-રસમો અનોખી હોય છે.
જેમાં છોકરો તેનાં પિતા અને કેટલાક સંબંધીઓ કન્યાને જોવા જાય છે. જો છોકરાને કન્યા ગમી જાય તો, પછી છોકરા તરફથી કન્યાને આપવામાં આવતા દહેજની રકમ નક્કી થાય છે. જો બંન્ને પક્ષે બધુ માન્ય થાય તો "પિયાણ દિવસ"(સગાઇ)નક્કી કરવામાં આવે છે. અને તે દિવસે લગ્નની તિથિ નક્કી કરાય છે.અને તે દિવસે કન્યા જાન લઇને વરના ઘરે પરણવા જાય છે. સાંજ આથમ્યા બાદ કન્યાને માનભેર મંડપમાં લાવવામાં આવે છે. કન્યાને જમાડતા પહેલા તેની થાળીમાં વરપક્ષ તરફથી સવા રૂપિયો મુકવામાં આવે છે. અને ત્યારપછી જ જમણ ચાલુ થાય છે. જમણ પછી રાતભર નાચગાન ની મહેફીલ જામે છે નેમાં વર અને કન્યાને તેના મામા ખભા પર ઉંચકીને નચાવે છે તથા તેમનાં ભાઈઓ તથા બહેનો વર અને કન્યાને બળદગાડાની પાંગરી પર બેસીને નચાવે છે, અને સવારે અગ્નિવેદી પર સાત ફેરા ફરી છેડા બાંધવામા આવે છે. અને સવારે કન્યા પક્ષ કન્યાને મુકીને ઘરે જાય છે, લગ્નનાં પાંચ દિવસ પછી કન્યા થોડા દિવસ તેનાં પિયર રહેવા આવે છે.
અન્ય સંસ્કૃતિઓની જેમ જ્યારે પહેલા બાળકનો જન્મ થવાનો હોય ત્યારે કન્યા તેના પિયર જાય છે અને ત્યાં બાળકને જન્મ આપે છે. જન્મ પછી બાળક અને માતા સવા મહીના સુધી પિયરમાં રહે છે. એક મહીના બાદ બાળકના મામા બાળકના માથાનાં વાળ કાપે છે, તેનાં બદલામાં વરપક્ષ તરફથી તેમને ઉપહાર આપવો પડે છે.
આદિવાસીઓમા જ્યારે મરણ થાય છે ત્યારે સ્મશાનમાં અગ્નિસંસ્કાર કરીને અથવા દાટીને શબ ને મુકિત અપાય છે . સ્ત્રીઓ સ્મશાનમાં આવી શકતી નથી તેથી તે સ્મશાનની બહાર ઉભી રહીને તેને વિદાય આપે છે. શબ ને તેનાં મૂળ દાગીના અને પસંદગીની વસ્તુઓ સાથે મુકિત અપાય છે, કારણ કે તેઓ માને છે કે પરાલૌકીક જીવનમાં તેમને આ વસ્તુઓની જરૂર પડશે, અને ત્યાર બાદ તેનો ખાટલો પણ ઉંધો વાળી સ્મશાનમાં મુકી આવવામાં આવે છે. મરણ પ્રક્રિયા સમાપ્ત થયા બાદ સ્નાન કરીને ઘરમાં પ્રવેશ કરાય છે. મરણનાં દિવસે ઘરમાં રસોઇ થતી નથી. મરણનાં ૧૨ અથવા ૪૦ દિવસ પછી તેની શોકસભા રખાય છે.
આદિવાસીઓ ની બોલી અને વ્યાકરણ ઘણાં અનોખા છે. જોકે અન્ય ભાષાઓની જેમં તેનું કોઇ લિખીત સ્વરૂપ નથી તેથી તે બોલી પુરતી જ સિમીત રહી શકી છે. આમ જોઇયે તો તમામ આદિવાસી બોલીઓ એકંદરે સાંભળવામાં સમાન જ લાગે છે. આદિવાસી બોલીના ઘણાખરા શબ્દો આપણને થોડા સંસ્કૃત થોડા મરાઠી તથા થોડા ગુજરાતી જેવા લાગે છે. આદિવાસીઓની મુખ્ય બોલીઓમાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં બોલાતી ભીલી, ગામીત બોલી, વસાવા બોલી, કુકણા બોલી,ધોડીયા બોલી, ચૌધરી બોલી વગેરે આવે છે. આ તમામ બોલીઓમાં બહુવચન હોતુ નથી, તેમાં ઉમરમાં નાની વ્યકિત ને પણ તું અને ઉમરમાં મોટી વ્યકિત નેપણ તું કહીને બોલાવવામાં આવે છે. તે ઉપરાંત અન્ય ભાષાઓની જેમ તેમાં ૧૨ કાળ, પુલ્લિંગ અને સ્ત્રીલીંગ, તથા ક્રિયાપદો હોય છે. આદિવાસીઓએ પણ પોતાનું એક અલાયદુ પંચાંગ બનાવ્યું છે, જેની સરખામણી આપણે આધુનિક કેલેન્ડર સાથે કરીએ તો નીચે મુજબ ના શબ્દો મળે છે.
પહેલાનાં સમયમાં જ્યારે દક્ષિણ ગુજરાતમાં ગાયકવાડી રાજ્ય હતું ત્યારે નવસારી પ્રાંતમાં સોનગઢ-મહાલ વિસ્તારમાં ચાર ગામડાનાં ઝુમખામાં કોઇ એક ગામે અઠવાડિયામાં ચોક્કસ દિવસે સાપ્તાહિક બજાર ભરાતી હતી, અને તે બજારના દિવસને તે ગામનાં નામ પ્રમાણે નામો અપાયા હતાં જેથી નીચે મુજબનાં નામો અસ્તિત્વમાં આવ્યા.

બંધારપાડિયો, વોડિઓ - સોમવાર
અરોહાર, બાણો, બોરડી - મંગળવાર
ઉમાડિયો, માંડવિઓ - બુધવાર
દેવ ગાડિયો, ઇશરવાડિયો - ગુરૂવાર
વલોડિયો, રાયપુરીયો - શુક્રવાર
વ્યારિયો, થાવરવાર - શનીવાર
ઈતવાર કે દીતવાર - રવિવાર